ગુજરાતમાં રોજનું 319 લાખ લીટરથી વધુ દૂધનું ઉત્પાદન; વિશ્વના 24.64% જેટલું ઉત્પાદન માત્ર ભારતમાં
May 31, 2024
અમદાવાદ : સમગ્ર વિશ્વમાં દર વર્ષે 1 જૂનનાં રોજ વિશ્વ દૂધ દિવસની ઉજવણી કરવામાં આવે છે. આ દિવસની ઉજવણીનો મુખ્ય હેતુ દૂધ ઉત્પાદન પ્રવૃત્તિઓમાં વૃદ્ધિ કરીને ડેરી ક્ષેત્રનો વિકાસ કરવાનો અને દૂધના પૌષ્ટિક મૂલ્યો વિશે લોકોને સમજાવી દૈનિક આહારમાં દૂધના વપરાશનો સમાવેશ કરવાનો છે. આ સાથેજ વિશ્વમાં પોષણ આજીવિકા સંદર્ભે આર્થિક વિકાસ અને ટકાઉ વિકાસમાં ડેરી ઉદ્યોગના યોગદાનને મહત્વ આપવાનો હેતુ છે. વિશ્વ દૂધ દિવસની શરૂઆત સંયુક્ત રાષ્ટ્રની સહસંસ્થા ખાદ્ય અને કૃષિ સંગઠન દ્વારા 1 જૂન 2001માં કરવામાં આવી હતી અને ખાદ્ય-કૃષિ સંગઠનની સ્થાપના 16 ઓક્ટોબર 1945ના રોજ કરવામાં આવી, જેમાં હાલમાં કુલ 195 સભ્ય દેશો સામેલ છે.
આ વર્ષે વિશ્વ દૂધ દિવસની થીમ વિશ્વને ગુણવત્તાયુક્ત પોષણ પહોંચાડવામાં ડેરીની ભૂમિકા રાખવામાં આવી છે. જેને ધ્યાને રાખીને સમગ્ર વર્ષ દરમિયાન વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે, જેથી તેમાં વધુ વિકાસ સાધી શકાય.
ગુજરાતની વાત કરીએ તો, આઝાદી પહેલાં ગુજરાતમાં જ્યારે ખાનગી ડેરીઓ પશુપાલકોને દૂધના નીચા ભાવ આપી તેમનું શોષણ કરતી હતી, ત્યારે પશુપાલકોને શોષણમાંથી મુક્ત કરવા માટે અમૂલ ડેરીના સ્થાપક ત્રિભુવનદાસ પટેલે સહકારી ધોરણે સરદાર વલ્લભભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ વર્ષ 1946માં ખેડા જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘની શરૂઆત કરી હતી, જેનાથી ગુજરાતના લાખો ખેડૂતો અને શ્રમજીવીઓને સ્વરોજગારી મળી હતી. આઝાદી બાદ સમય જતા ગુજરાત સરકાર દ્વારા દૂધ ઉત્પાદન ક્ષેત્રે અનેક વિવિધ પગલાંઓ લેવામાં આવ્યા છે. આજે પશુપાલકો માટે પશુપાલન ખાતા દ્વારા ગ્રામ્ય કક્ષાએ પશુ આરોગ્ય મેળાઓ તેમજ તાલુકા- જિલ્લા સ્તરે માર્ગદર્શન શિબિરોનું આયોજન કરવામાં આવ્યું છે. આ સાથેજ વૈજ્ઞાનિક ઢબે સ્થાનિક પશુ ઓલાદોનું જતન કરીને પશુઓને રોગો સામે રક્ષણ અપાવી રસીકરણ કરાવવામાં આવ્યું છે. તેમના જતન માટે અને દૂધ ઉત્પાદન માટે અનેકવિધ યોજનાઓ જેવી કે, કેટલશેડ બાંધકામ સહાય, મીની કિટ્સ સહાય, અનુસૂચિત જનજાતિના 20 દેશી દુધાળા પશુઓના એકમ સ્થાપના માટે વ્યાજ સહાય યોજના, દૂધ ઘર બાંધકામ સહાય યોજના, અને ગૌશાળા વિકાસ યોજનાઓ કેન્દ્ર સરકારના સહકાર થકી રાજ્ય દ્વારા વિકસાવવામાં આવી છે અને આ યોજનાઓનું અમલીકરણ કરીને આજે રાજ્ય તેમજ દેશના લોકોને ડેરી વ્યવસાય ક્ષેત્રે જાગૃત કરવામાં આવ્યા છે. જેથી ડેરી અને પશુપાલનનો વ્યવસાય આજે ગૌણ નહીં પરંતુ મુખ્ય વ્યવસાય બની રહ્યો છે, આ સાથેજ આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરીને મૂલ્યવર્ધિત દૂધ ઉત્પાદન, દૂધની બનાવટોના ઉત્પાદન અને નિકાસ થકી પશુપાલકો તેમજ રાજ્યને પણ આર્થિક સદ્ધરતા મળી છે. આજે રાજ્યમાં 23 જેટલી ડેરીઓ દૂધ ઉત્પાદન ક્ષેત્રે કાર્યરત છે જેમાં અમૂલ ડેરી મુખ્ય છે.
ગુજરાતમાં આજે રોજનું 319 લાખ લીટરથી વધુ દૂધનું ઉત્પાદન કરવામાં આવે છે. આજે ગામડાનો દરેક ખેડૂત આ વ્યવસાયને અપનાવીને સ્વાવલંબી બન્યો છે. ખેડૂતો દ્વારા પશુપાલન વ્યવસાયમાં ઊંડો રસ દાખવવાને કારણે જ આજે સમગ્ર દેશમાં શ્વેતક્રાંતિ આવી છે.
ભારત દેશની વાત કરીએ તો, આજે વિશ્વમાં 250 કરોડ લીટર જેટલું રોજનું દૂધનું ઉત્પાદન કરવામાં આવે છે. જેમાં ભારત 60 કરોડ લીટરથી વધુનું ઉત્પાદન કરે છે. એટલે કે વિશ્વના 24.64% જેટલું દૂધનું ઉત્પાદન માત્ર ભારતમાં કરવામાં આવે છે. આ સાથેજ દૂધ ઉત્પાદનમાં ભારતે છેલ્લા નવ વર્ષમાં 58%થી વધુનો વધારો કર્યો છે. અને આજે ભારતનો ક્રમ વિશ્વના ટોપ 10 દૂધ ઉત્પાદનકર્તા દેશોની હરોળમાં પ્રથમ આવે છે. જે દેશ માટે ખૂબજ ગૌરવની બાબત છે. જેથી કહી શકાય કે, ભારત દૂધ ઉત્પાદન ક્ષેત્રે અન્ય દેશો માટે મોડેલ સ્વરૂપ બની રહ્યો છે.
દૂધની લાક્ષણિકતાઓ વિશે વાત કરીએ તો, WHO દ્વારા પ્રમાણિત કરવામાં આવ્યું છે કે દૂધ દરેક વ્યક્તિ માટે ખૂબ જ જરૂરી અને પોષણયુક્ત આહાર છે, દરેક વ્યક્તિએ ઓછામાં ઓછું 200 થી 250 મીલીલીટર જેટલું દૂધ દરરોજ લેવું જોઈએ, જેમાં કેલ્શિયમ, મેગ્નેશિયમ, પ્રોટીન, વિટામિન અને રાયબોફ્લેવિન જેવા પોષકતત્વો પ્રાપ્ત થાય છે, જે માનવી અને પશુઓના સ્વાસ્થ્યને લાંબાસમય સુધી પોષણયુક્ત રાખે છે.
આમતો, આપણા દેશમાં ગાય, બકરી, ભેંસ, ઊંટ જેવા વિવિધ પશુઓનું દૂધનું ઉત્પાદન કરવામાં આવે છે પરંતુ આ તમામમાં ગાયના દૂધને સૌથી પૌષ્ટિક અને શ્રેષ્ઠ માનવામાં આવે છે. ગાયના દૂધમાં પ્રોટીન, કેલ્શિયમ, વિટામીન ડી, વિટામીન બી12 જેવા અનેક પોષક તત્વો હોય છે. જે દરેક વ્યક્તિ પશુ માટે ખૂબજ ગુણકારી છે. આ પોષક તત્વોથી હાડકા મજબૂત થાય છે, શારીરિક – આંતરિક તેમજ માનસિક વિકાસ થાય છે. ગાયના દૂધના ન્યૂટ્રિશનલ વેલ્યુ અને ફાયદા છે.
તાજેતર ના લેખો
- હવે અમદાવાદથી ગાંધીનગર સુધી દોડશે મેટ્રો; વડાપ્રધાન મોદીના હસ્તે 16 સપ્ટેમ્બરે શુભારંભ
- આજવા બંધ વડોદરામાં સરેરાશ 39 ઇંચ વરસાદ પડે તે માપે બંધાયો હતો, હવે સરેરાશ થઇ છે 42.24 ઇંચ
- વડોદરામાં વિશ્વામિત્રીના પૂરનો લાંબો ઇતિહાસ છે ; 19મી સદીમાં કેમ્પબેલે લખ્યું હતું ચોમાસામાં આ નદી અવારનવાર છલકાય છે
- પશુઓમાં સેક્સડ સીમેન ડોઝથી કૃત્રિમ બીજદાન કરવા માટેની ફીમાં રૂ.250 નો ઘટાડો
- જાતિગત જન ગણના એ કોંગ્રેસની ટુલકીટ છે
- દારૂની હેરાફેરીમાં પકડાયેલા વાહનોની હરાજી કરી તે નાણાનો ઉપયોગ યોજનાકિય લાભો પાછળ કરાશે: સંઘવી
- માનવ બલિદાન અને બીજી અમાનુષી,અનિષ્ટ તેમજ અઘોરી પ્રથા, કાળા જાદુ અટકાવવા રાજ્ય સરકાર કાયદો લાવી