Gujarati Vangi Rasoi Recipe Dish: Puran Poli(પૂરણ પોળી)

પૂરણપોળી

ગળી ગળી પૂરણપોળી વિશે કઈ કહેવાની જરૂર ખરી? એવુ તો કદાચ કોઈ પણ ન હોય કે જેને પૂરણપોળી ન ભાવતી હોય. પૂરણપોળીને વેઢમી પણ કહેવામાં આવે છે. મને તો પૂરણપોળી એટલે કે વેઢમીની સાથે સાથે તે બનાવવા માટે વપરાતુ પૂરણ પણ ઘી નાખીને ખાવાની બહુ મજા પડે છે. ચાલો ચાર વ્યક્તિ માટે પૂરણપોળી બનાવવાની રીત જોઈએ.

સામગ્રી: ૧ કપ તુવેરની દાળ, ૧ કપ ખાંડ અથવા ગોળ, અડધી ચમચી ઈલાયચ પાવડર, અડધી ચમચી ખસખસ, ચોથા ભાગની ચમચી જાયફળનો ભૂકો, પ્રમાણસર ઘી અને સવા કપ ચણાનો લોટ

રીત: તુવેરની દાળ થોડા પાણી સાથે કૂકરમાં બાફવા મૂકો. દાળ ચઢી જાય એટલે પાણી નીતારી લો. હવે તુવેરની દાળ ઘી લગાડેલા તાંસળામાં કાઢીને જોઈતા પ્રમાણમાં ગોળ અથવા ખાંડ નાખી ગેસ પર મૂકી હલાવો. પૂરણ બહુ ઢીલુ જણાય તો ચણાના લોટમાં ઘીનું મોણ નાખી લોટ તેમાં ભભરાવો અને હલાવ્યા કરો કે જેથી તે ઘટ્ટ થઈ જાય. જો પૂરણમાં વચ્ચે તાવેતો ટટ્ટાર ઉભો રહે તો સમજવું કે પૂરણ બરાબર તૈયાર થઈ ગયું છે. તાવેતો નીચે પડે તો થોડી વાર વધારે રહેવા દો.

આમાં હવે ઈલાયચીનો ભૂકો, જાયફળનો ભૂકો અને ખસખસ નાખો. થાળીમાં ઘી ચોપડીને પૂરણ ઠંડુ થવા દો. રોટલીના લોટથી સહેજ વધારે કઢણ લોટ બાંધો. ઘઊંના લોટનું અટામણ લઈ નાની રોટલી વણી તેમાં પૂરણ મૂકી તેને વાળીને ફરીથી વણી ધીમા તાપે લોઢી પર શેકવી. શેકાઈ જાય એટલે ઘી ચોપડીને પીરસવી.

તો લો ગરમાગરમ પૂરણપોળી તૈયાર.

(C) Rupam’s Gujarati Vaangi Vangi Rasoi Cuisine mithai Cooking recipe, Ahmedabad Gujarat.