રાજ્યમાં ૩ સેન્ટર ઑફ એક્સલન્સ ફૉર હોર્ટીકલ્ચર, ૪ પ્રાઇમરી પ્રોસેસિંગ સેન્ટરનું ખાતમુહૂર્ત થયું
September 01, 2022
— અમદાવાદ, જામનગર અને ખેડામાં સેન્ટર ઓફ એક્સલન્સ ફોર હોર્ટીકલ્ચર બનશે અને બનાસકાંઠા, કચ્છ, જામનગર, નવસારી અને પંચમહાલ જિલ્લામાં પ્રાઇમરી પ્રોસેસિંગ સેન્ટર બનશે
— મુખ્યમંત્રીએ રાજ્યના ૬૮૪ બાગાયતી ખેડુત લાભાર્થીઓને રૂ. ૨.૧૬ કરોડની સહાય એનાયત કરી
ધ્રોલઃ રાજ્યમાં ૩ સેન્ટર ઑફ એક્સેલન્સ ફૉર હોર્ટીકલ્ચર તથા ૪ પ્રાઇમરી પ્રોસેસિંગ સેન્ટરના ઈ- ખાતમુહૂર્ત આજે જામનગરના ધ્રોલ ખાતેથી કરવામાં આવ્યા હતા. રાજ્યમાં બાગાયતી પાકોની વેલ્યુચેઈન ઊભી કરી ખેડૂતોની આવક વધારવાના આશયથી આ કેન્દ્રોનું નિર્માણ કરવાનો નિર્ણય રાજ્ય સરકારે કર્યો છે.
તે અંતર્ગત અમદાવાદ, જામનગર અને ખેડામાં સેન્ટર ઑફ એક્સલન્સ ફૉર હોર્ટીકલ્ચર બનશે અને બનાસકાંઠા, કચ્છ, જામનગર, નવસારી અને પંચમહાલ જિલ્લામાં પ્રાઇમરી પ્રોસેસિંગ સેન્ટર બનશે.
મુખ્યમંત્રીશ્રીએ કમલમ ફળનું વાવેતર કરવા માટે સહાય કાર્યક્રમ, કોમ્પ્રીહેન્સીવ હોર્ટીકલ્ચર ડેવલપમેન્ટ કાર્યક્રમ અને મિશન મધમાખી કાર્યક્રમ એમ કુલ 3 નવી યોજનાનો રાજ્યવ્યાપી શુભારંભ પણ કરાવ્યો છે.
કમલમ ફ્રુટનું વાવેતર કરતા સામાન્ય ખેડૂતોને સહાય કાર્યક્રમ અંતર્ગત મહત્તમ રૂ. ૩ લાખ પ્રતિ હેક્ટર તથા અનુ.જાતિ અને અનુ.જનજાતિના ખેડૂતોને મહત્તમ રૂ. ૪.૫૦ લાખ પ્રતિ હેકટરની સહાય મળશે.
ગુજરાતના ખેડૂત સામૂહિક બહુવર્ષાયુ ફળપાકોના વ્યાપારિક ધોરણે વાવેતર કરે તેમજ આવા ખેડૂતોને શરૂઆતના ઉંચા રોકાણ સામે જરૂરી સહાય પુરી પાડવા કોમ્પ્રીહેન્સીવ હોર્ટીકલ્ચર ડેવલપમેન્ટ કાર્યક્રમ અમલમાં મુકવામાં અવ્યો છે. આ કાર્યક્રમ હેઠળ રાજયના તમામ ખેડૂત, ખેતીલાયક જમીન ધારણ કરેલ રજીસ્ટર્ડ ટ્રસ્ટ, FPO, FPC, સહકારી મંડળીના સભાસદોને લાભ મળશે.
મધમાખીના ઉત્પાદનને પ્રોત્સાહન આપવા માટે મધમાખી ઉછેર, પ્રોસેસીંગ, પેકેજીંગ, કોલ્ડ રૂમ, બી ક્લિનિક જેવા ઘટકોમાં સહાય આપવા માટે મિશન મધમાખી કાર્યક્રમ શરૂ કરવામાં અવ્યો છે. આ કાર્યક્રમ હેઠળ FPO, FPC તથા “A” ગ્રેડ સહકારી સંસ્થાઓ દ્વારા આ કાર્યક્રમ હેઠળ ખેડૂત/સભાસદોને ૭૫% સુધી સહાય મળશે.
આ પ્રસંગે મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, ગુજરાતમાં ૨૦ વર્ષમાં બાગાયતી પાકોનો વાવેતર વિસ્તાર ૬.૯૨ લાખ હેક્ટરથી વધીને ૧૯.૭૭ લાખ હેક્ટર અને ઉત્પાદન ૬૨.૦૧ લાખ મે.ટન થી વધીને ૨૫૦.૫૨ લાખ મેટ્રિક ટન થયું છે. રાજ્ય સરકાર દ્વારા છેલ્લા ૨૦ વર્ષમાં ૩૫ લાખથી વધુ બાગાયતકારોને વિવિધ બાગાયતી યોજનાઓથી લાભન્વિત કરાયા છે.
તેમણે કહ્યું કે, આજનો કાર્યક્રમ બાગાયત ક્ષેત્રના વિકાસ માટે સીમાચિન્હરૂપ છે. નવા બનનારા ૪ સેન્ટર ઑફ એક્સેલન્સ ફૉર હોર્ટીકલ્ચર સહિત રાજ્યભરમાં કુલ ૯ સેન્ટરો કાર્યરત થશે જેનાથી બાગાયતી ખેતી નફાકારક બનશે અને બાગાયત ક્ષેત્રે વધુ માળખાકીય સુવિધાઓ ખેડૂતોને ઉપલબ્ધ થશે. મધમાખી ઉછેર માટે રાજ્યભરમાં રૂ.૧૦ કરોડની ફાળવણી રાજ્ય સરકારે કરી છે, તેમ તેમણે ઉમેર્યું હતું.
મુખ્યમંત્રીશ્રીએ રાજ્યની બાગાયતી કૃષિની પરિસ્થિતિનો ચિતાર આપતા જણાવ્યું હતું કે, રાજ્યની કેસર કેરીને જી. આઇ. ટેગ મળ્યું છે, ગુજરાત રાજ્ય ભીંડા અને ચીકુના પાક ઉત્પાદનમાં સમગ્ર દેશમાં પ્રથમ સ્થાને છે, તે ગુજરાતના બાગાયતી ખેતી કરતા ખેડૂતો માટે ગૌરવ લેવા જેવી બાબત છે. તેમણે કહ્યું કે રાજ્ય સરકારે ચાલુ વર્ષે બાગાયતી કૃષિ માટે રૂ. ૧૦ કરોડની જોગવાઈ કરી છે તથા છેલ્લા પાંચ વર્ષમાં રાજ્યભરના ૭.૨૬ લાખ લાભાર્થીઓએ સરકારની વિવિધ બાગાયતી યોજનાના લાભો મેળવ્યા છે.
રાજ્યભરમાં અમલી બનાવાયેલી ડ્રોન ટેકનોલોજીની વિગતો રજૂ કરતા મુખ્યમંત્રીએ કહ્યું હતું કે રાજ્યભરમાં ડ્રોન ટેકનોલોજી માટે રૂ. ૩૫ કરોડની ફાળવણી કરવામાં આવી છે તથા ૧.૪૦ લાખ એકર વિસ્તાર જમીનને આ ટેકનોલોજી અંતર્ગત આવરી લેવામાં આવશે.
ડ્રોન ટેકનોલોજી દ્વારા ખેડૂતો પોતાના ખેતરમાં ખાતર વિતરણ કરી શકશે તથા તેમનો મજૂરી ખર્ચ બચશે એવો આશાવાદ પણ વ્યક્ત કર્યો હતો. “આત્મનિર્ભર ગુજરાત” થી “આત્મનિર્ભર ભારત” તરફની પ્રગતિમાં આ એક ઉપયોગી પગલું સાબિત થશે, એવો તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.
મુખ્યમંત્રીએ જી. એમ. પટેલ હાઇસ્કુલ પરિસરમાં રાખવામાં આવેલા કૃષિ ઉત્પાદનોના સ્ટોલ્સના મુલાકાત લીધી હતી અને બાગાયત કૃષિ કરોને પ્રોત્સાહિત કર્યા હતા. તથા જામનગર જિલ્લાના બાગાયતી વિભાગના લાભાર્થીઓ તથા અન્ય લાભાર્થીઓને રાજ્ય સરકારની યોજનાકીય સહાયનું તથા પ્રમાણપત્રનું વિતરણ કરવામાં આવ્યું હતું.
ભૂપેન્દ્રભાઈ પટેલની ઉપસ્થિતિમાં રાજ્ય સરકારના કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ દ્વારા ધ્રોલની જી. એમ. પટેલ હાઇસ્કુલના પરિસરમાં બાગાયત પાક પરિસંવાદ, સેન્ટર ઑફ એક્સેલન્સ તથા પ્રાઇમરી પ્રોસેસિંગ સેન્ટરના ખાતમુહૂર્તનો કાર્યક્રમ યોજાયો હતો, જેનું અમદાવાદ જિલ્લાના મીરોલી, ખેડા જિલ્લાના મહેમદપુરા, ભુજ શહેરના ટાઉનહોલ, પંચમહાલ જિલ્લાના જાંબુઘોડા અને બનાસકાંઠા જિલ્લાના ડીસા ખાતેથી જીવંત પ્રસારણ કરવામાં આવ્યું હતું, જેમાં હજારો પ્રગતિશીલ નાગરિકો સહભાગી થયા હતા.
અગાઉ કૃષિમંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલે ખાતમુહૂર્ત થનાર નવીન પ્રકલ્પો અંગે આનંદ વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે ખેડૂત થકી ગામડું અને ગામડાં થકી સમગ્ર દેશને આત્મનિર્ભર બનાવવા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી તથા મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ સરકાર કામગીરી કરી રહી છે. ખેડૂત સમૃદ્ધ બને તેમજ ખેડૂતની આવક બમણી થાય તે માટે રાજ્ય સરકાર સૌની યોજના, કૃષિ સાધન સહાય, ખાતર તથા વીજ સબસિડી, ફ્રુટ પ્રોસેસિંગ યુનિટ, મહત્તમ ટેકાના ભાવે જણસની ખરીદી, વિનામૂલ્યે લોન વગેરે જેવી અનેક કૃષિ કલ્યાણકારી યોજનાઓ અમલમાં મૂકી ખેડૂત, ખેતી અને ગામડાને સમૃદ્ધ બનાવવાની દિશામાં સતત આગળ વધી રહી છે.
દેશ ગુજરાત
Recent Stories
- Watch | EAM Jaishankar on working with Gujarati people and represent Gujarat as MP
- Manisha Lavkumar, Mitesh Amin appointed as Additional Advocate General
- ACB Gujarat nabs Dy Sarpanch, Panchayat member in bribe case
- PM interacts with ITI-certified farmer from Bharuch, Gujarat
- Which food items India imports? Which food items it exports? How much?
- Nearly five times increase in mobile broadband subscribers in 10 years in Gujarat; BTS growth nearly 3-fold
- Long-pending completion of Patan's new bus port to take another 6 months