અમદાવાદમાં Bulk Waste Generators માટે AMCનું કડક અમલીકરણ, ઓન-સાઇટ વેસ્ટ પ્રોસેસિંગ હવે ફરજિયાત
May 13, 2026
અમદાવાદ: પર્યાવરણ, વન અને જળવાયુ પરિવર્તન મંત્રાલય, ભારત સરકાર દ્વારા પ્રસિદ્ધ કરવામાં આવેલા સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ રૂલ્સ–2026 તેમજ નામદાર સુપ્રીમ કોર્ટ દ્વારા સિવિલ અપીલ નં. 6174/2023 માં તા. 19/02/2026 ના રોજ આપવામાં આવેલા નિર્દેશોને અનુસરી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરના તમામ ઝોન અને વોર્ડમાં Bulk Waste Generators (BWGs) માટે કડક અમલીકરણ શરૂ કરવામાં આવ્યું છે. શહેરમાં મોટા પાયે કચરો ઉત્પન્ન કરતા એકમો માટે હવે ઓન-સાઇટ વેસ્ટ પ્રોસેસિંગ અને વૈજ્ઞાનિક કચરા વ્યવસ્થાપન ફરજિયાત બનાવવામાં આવ્યું છે.
નવી જોગવાઈઓ મુજબ જે એકમોનું કુલ બાંધકામ ક્ષેત્રફળ 20,000 ચોરસ મીટર અથવા તેથી વધુ હોય, અથવા જેમનો દૈનિક પાણીનો વપરાશ 40,000 લિટર કે તેથી વધુ હોય, અથવા જે એકમો દ્વારા દરરોજ 100 કિલોગ્રામ કે તેથી વધુ ઘન કચરાનું ઉત્પાદન થતું હોય, તે તમામને ‘Bulk Waste Generator’ તરીકે ગણવામાં આવશે. AMC દ્વારા સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે આ નિયમો હેઠળ હોટલ-રેસ્ટોરન્ટો, ધાર્મિક સંસ્થાઓ, સરકારી અને અર્ધસરકારી કચેરીઓ, શૈક્ષણિક સંસ્થાઓ, યુનિવર્સિટીઓ, મોટા રહેણાંક એપાર્ટમેન્ટ્સ, ફ્લેટ અને સોસાયટીઓ, વાણિજ્યિક એકમો તેમજ શોપિંગ મોલ્સ સહિતના મોટા એકમોનો સમાવેશ થાય છે.
સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ રૂલ્સ–2026 મુજબ આવા તમામ BWGs માટે તેમની પ્રિમાઇસીસમાં જ બાયોડિગ્રેડેબલ એટલે કે ભીના કચરાનું On-site Processing કરવું ફરજિયાત રહેશે. ઉપરાંત ઉત્પન્ન થતા સૂકા કચરાનું યોગ્ય વર્ગીકરણ કરીને તેને અધિકૃત રિસાયકલર્સને જ સોંપવાનો રહેશે. AMCના જણાવ્યા અનુસાર આ વ્યવસ્થા દ્વારા શહેરમાં લેન્ડફિલ પરનો બોજ ઘટાડવા, કચરાનું વૈજ્ઞાનિક સંચાલન સુનિશ્ચિત કરવા અને પર્યાવરણ સંરક્ષણને વધુ મજબૂત બનાવવા પર ભાર મૂકવામાં આવ્યો છે.
મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ચેતવણી પણ આપવામાં આવી છે કે જો કોઈ એકમ દ્વારા ઓન-સાઇટ પ્રોસેસિંગની કામગીરીમાં બેદરકારી દાખવવામાં આવશે અથવા નિયમોનું ઉલ્લંઘન કરવામાં આવશે તો તેને નામદાર સુપ્રીમ કોર્ટના આદેશની અવમાનના ગણવામાં આવશે. આવી સ્થિતિમાં સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ રૂલ્સ–2026 તેમજ લાગુ પડતા અન્ય પર્યાવરણીય કાયદાઓ હેઠળ કડક દંડાત્મક કાર્યવાહી હાથ ધરવામાં આવી શકે છે.
અમદાવાદ શહેરને વધુ સ્વચ્છ, હરિયાળું અને પર્યાવરણલક્ષી બનાવવા માટે AMC દ્વારા તમામ સંસ્થાઓ અને નાગરિકોને સહકાર આપવા અપીલ કરવામાં આવી છે. “હરિયાળું અમદાવાદ, સ્વચ્છ અમદાવાદ” ના સંદેશ સાથે કોર્પોરેશન દ્વારા શહેરવ્યાપી જાગૃતિ અને અમલીકરણ અભિયાનને વધુ વેગ આપવામાં આવશે.
Leave a Reply
તાજેતર ના લેખો
- પ્રિ-મોન્સુન કામગીરી અંતર્ગત ચોમાસા પૂર્વે AMC હોટમિક્સ પ્લાન: 42 હજાર મેટ્રિક ટનથી વધુ મટીરિયલ સપ્લાયની તૈયારી
- અમદાવાદમાં હવે 4 પ્રકારનો કચરો અલગ આપવો ફરજિયાત, નિયમ ભંગે કડક કાર્યવાહી થશે
- રાજ્યમાં પ્રથમ તબક્કામાં તા. 1 થી 30 જૂન, 2026 દરમિયાન 'ઘરયાદી અને મકાનોની ગણતરી' હાથ ધરાશે
- ગુજરાત સરકારની પહેલ: નર્સિંગ ક્ષેત્રે ૮ વિશેષ ‘સ્પેશિયલાઇઝ્ડ ડિપ્લોમા કોર્સ’ કાર્યરત
- 80 હિપ્પોને મૃત્યુથી બચાવવા અનંત અંબાણીની કોલંબિયાને અપીલ, વનતારામાં આજીવન આશ્રય આપવાની ઓફર
