Gujarati Rasoi Cooking Recipe: Makai Soup(મકાઈ સુપ)

મકાઈનો સૂપ

ચોમાસામાં મકાઈ ખાવાની કેવી મજા આવે ? ન કેવળ ખાવાની પરંતુ તેની બીજી વાનગીઓ ખાવામાં પણ ટેસિયા પડતા હોય છે.ચાલો આજે મકાઈનો સૂપ બનાવવાની રીત જાણીએ. અલબત્ત એકલા એકલા તો કશું ખવાય નહીં જે ખાવાનું હોય એ વહેંચીને ખાવુ પડે એટલે હું તમારી સાથે આ રીત વહેંચીશ ચાર પાંચ વ્યક્તિઓના માપમાં.

સામગ્રી:
દોઢ કપ છીણેલી મકાઈ, ચોથા ભાગનો કપ ભરીને મકાઈના દાણા, દોઢથી બે કપ પાણી, બે થી ત્રણ ચમચી માખણ, ત્રણ ચમચી મેંદો( મેંદો શરીર માટે બહુ સારો ન કહેવાય એટલે જો તમે સ્વાસ્થ્ય પરત્વે વધુ સભાન હોવ તો મેંદાના બદલે મકાઈનો લોટ વાપરો તો પણ ચાલે), બે કપ દૂધ( ન નાખો તો જુદા સ્વાદનો સૂપ બનશે જે પણ કદાચ તમને ભાવી શકે), બે ચમચી ખાંડ, ચોથા ભાગની ચમચી ભરીને મરીનો ભૂકો, ચોથા ભાગનો કપ ભરીને ક્રીમ અથવા દૂધની મલાઈ, પ્રમાણસર મીઠું.

રીત: મકાઈની છીણ કાઢો અને તેમાં દોઢ કપ પાણી ઉમેરો તથા મકાઈના દાણા લઈને તેમાં અર્ધો કપ પાણી રેડી પ્રેશરકૂકરમાં બાફી લો. જરા ઠંડુ પડતા મકાઈની છીણને પ્રવાહી કરીને ગાળી લઈ જાડો પલ્પ તૈયાર કરી દો. એમાં પેલા બાફેલા મકાઈના દાણા પાણી સાથે નાખો. એક વાસણમાં માખણ ધીમા તાપે ગરમ મૂકી તેમાં મેંદો(અથવા કોર્ન ફ્લોર પણ નાખી શકાય) નાખી બરાબર મેળવી લઈને ધીમે ધીમે દૂધ રેડતા જાઓ અને હલાવતા જાઓ. આ પ્રમાણે તૈયાર થયેલા મિશ્રણમાં મકાઈનો પલ્પ નાખો. તેમાં ખાંડ, મીઠું, મરીનો ભૂકો નાખો. પીરસતી વખતે ધ્યાન રાખો કે દરેક કપમાં મકાઈના દાણા આવે. દરેક કપમાં ઉપર ચમચીભર ક્રીમ નાખી શકો છો.

બીજી સરળ રીત:મકાઈના દાણા પ્રેશર કૂકરમાં બાફી લો. બાફી લીધા પછી તેમાંથી થોડાક દાણા અલગ કાઢો. જ્યારે બાકીના દાણાને મીક્સરથી ગ્રાઈન્ડ કરીને પલ્પ બનાવો. આ પલ્પને ગાળી લો. હવે એક વાસણમાં મકાઈના દાણા અને આ ગાળેલા પલ્પને ભેગા ઉકાળી લો. ઉકાળતા ઉકાળતા મીઠુ , ખાંડ ને મરી સ્વાદ અનુસાર નાખી દો.સૂપ તૈયાર.

(C) Rupam’s Gujarati Vaangi Rasoi Cuisine Cooking recipe, Ahmedabad Gujarat.