કોંગો, યુગાન્ડા અને સાઉથ સુદાન દેશોમાં ઈબોલાના કેસોને પગલે ગુજરાત સરકાર એલર્ટ

ગુજરાત કે ભારતમાં હાલની સ્થિતિએ ઈબોલા વાયરસનો એક પણ કેસ નથી, નાગરિકોએ સહેજ પણ ગભરાવવાની જરૂર નથી. કેન્દ્ર સરકારના આરોગ્ય વિભાગ દ્વારા જે માર્ગદર્શિકા અને સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર -SOP ગુજરાત સરકારને આપવામાં આવી છે, તેનું ચુસ્તપણે પાલન કરવા માટે આરોગ્ય વિભાગની આખી ટીમનું સુવ્યવસ્થિત આયોજન કરી દેવામાં આવ્યું છે. રાજ્ય સરકારના તમામ વહીવટી અને આરોગ્ય અધિકારીઓ કોઈપણ પરિસ્થિતિને પહોંચી વળવા માટે સંપૂર્ણ તૈયારીઓ સાથે સજ્જ છે તેમ, આરોગ્ય રાજ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરીયાએ જણાવ્યું હતું.

કોંગો, યુગાન્ડા અને સાઉથ સુદાન જેવા દેશોમાં ઈબોલા વાયરસના કેસો જોવા મળી રહ્યા છે. જેને પગલે ગુજરાત સરકારનો આરોગ્ય વિભાગ સંપૂર્ણપણે સતર્ક બન્યો છે. આ સંદર્ભે આજે સ્વર્ણિમ સંકુલ-૨, ગાંધીનગર ખાતે આરોગ્ય રાજ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરીયાની અધ્યક્ષતામાં આરોગ્ય વિભાગના ઉચ્ચ અધિકારીઓની એક મહત્વની સમીક્ષા બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં રાજ્યની સજ્જતા અને આગોતરા આયોજન અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી.

આરોગ્ય મંત્રીએ વધુમાં ઉમેર્યું હતું કે, રાજ્યના આરોગ્ય વિભાગ દ્વારા સૌથી વધુ પ્રભાવિત અસરગ્રસ્ત દેશોમાંથી આવતા મુસાફરો પર ખાસ નજર રાખવામાં આવી રહી છે. અમદાવાદ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર સાંજના ૦૬:૦૦ વાગ્યાથી લઈને સવારના ૧૦:૦૦ વાગ્યા સુધીના સમયગાળા દરમિયાન યુગાન્ડા, કોંગો અને સાઉથ સુદાનથી આવતા તમામ પેસેન્જરોનું સઘન સ્ક્રીનિંગ કરવામાં આવી રહ્યું છે. આ સ્ક્રીનિંગ માત્ર પ્રભાવિત અસરગ્રસ્ત દેશોમાંથી આવતા મુસાફરો માટે જ છે, અન્ય દેશોના મુસાફરો માટે કોઈ ચિંતાનું કારણ નથી.

કોઈપણ ઈમરજન્સી સ્થિતિને પહોંચી વળવા માટેની આગોતરી તૈયારીના ભાગરૂપે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ૩૨ બેડ અને સુરત સિવિલ હોસ્પિટલ ખાતે ૧૦ બેડની ડેઝીગ્નેટેડ એપેક્સ હોસ્પિટલ કાર્યરત કરવામાં આવી છે. આ ઉપરાંત શંકાસ્પદપેસેન્જરોની સારવાર માટે એસ.વી.પી. હોસ્પિટલ- અમદાવાદ ખાતે પણ ૬૦ બેડના અલાયદા આઇસોલેશન વોર્ડ અને વિશેષ વ્યવસ્થા ઊભી કરાઈ છે. જો કોઈ મુસાફર શંકાસ્પદ જણાશે, તો ભારત સરકારની ગાઈડલાઈન મુજબ તાત્કાલિક તેની સારવાર શરૂ કરી શકાય તેવી રાજ્ય સરકારની પૂરી તૈયારી છે. જોકે, આવી કોઈ પરિસ્થિતિ ઊભી ન થાય તેવી આશા પણ મંત્રીશ્રીએ વ્યક્ત કરી હતી.

નાગરિકોને આશ્વસ્ત કરતા આરોગ્ય મંત્રીશ્રીએ સ્પષ્ટપણે જણાવ્યું છે કે, હાલ સમગ્ર ભારતમાં કે ગુજરાતમાં ઈબોલા વાયરસનો એક પણ કેસ નોંધાયો નથી. આથી જનતાએ સહેજ પણ ગભરાવવાની કે ચિંતા કરવાની જરૂર નથી. માત્ર સંબંધિત દેશોમાંથી આવતા મુસાફરોએ જ તકેદારી રાખવાની છે, જેથી સંક્રમણ ફેલાવાની કોઈ શક્યતા ન રહે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *