ભારતનો પ્રથમ સેમી હાઈ-સ્પીડ રેલ કોરિડોર અમદાવાદ–ધોલેરા વચ્ચે બનશે

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં યોજાયેલી આર્થિક બાબતોની મંત્રિમંડળીય સમિતિ (CCEA) એ ગુજરાતને દેશનો પ્રથમ બ્રોડ ગેજ સેમી હાઈ-સ્પીડ રેલ કોરિડોર આપતાં અમદાવાદ (સરખેજ)– ધોલેરા સેમી હાઈ-સ્પીડ ડબલ લાઇન રેલવે પ્રોજેક્ટને ઐતિહાસિક મંજૂરી આપી છે. અંદાજે ₹20,667 કરોડના ખર્ચવાળો આ પ્રોજેક્ટ ભારતીય રેલવેનો પ્રથમ સ્વદેશી ટેકનોલોજી આધારિત સેમી હાઈ-સ્પીડ રેલ પ્રોજેક્ટ હશે, જેમાં ભવિષ્યમાં નમો ભારત ટ્રેનો નું સંચાલન કરવામાં આવશે.

લગભગ 134 કિલોમીટર લાંબી આ નવી ડબલ રેલ લાઇન અમદાવાદ, ધોલેરા સ્પેશિયલ ઈન્વેસ્ટમેન્ટ રિજન (SIR), આવનાર ધોલેરા આંતરરાષ્ટ્રીય વિમાનમથક તથા લોથલ ખાતે આવેલા નેશનલ મેરિટાઈમ હેરિટેજ કોમ્પ્લેક્સને આધુનિક રેલ કનેક્ટિવિટી આપશે. પ્રોજેક્ટની ડિઝાઇન ગતિ 220 કિમી પ્રતિ કલાક અને પરિચાલન ગતિ 200 કિમી પ્રતિ કલાક નક્કી કરવામાં આવી છે. કોરિડોર પર કુલ 13 સ્ટેશનો વિકસાવવામાં આવશે.

પ્રોજેક્ટ હેઠળ 3 મેગા બ્રિજ, 74 કિલોમીટર વાયાડક્ટ, 39 રોડ અંડર બ્રિજ અને 2 રેલ ઓવર રેલ બ્રિજનું નિર્માણ કરવામાં આવશે. કુલ ટ્રેક લંબાઈ અંદાજે 293 કિલોમીટર રહેશે. પ્રોજેક્ટને આગામી 4 વર્ષમાં પૂર્ણ કરવાનો લક્ષ્ય નક્કી કરવામાં આવ્યો છે.

રેલ મંત્રી શ્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું:

“અમદાવાદ–ધોલેરા સેમી હાઈ-સ્પીડ રેલ પ્રોજેક્ટ ભારતના રેલવે ઇતિહાસમાં નવી શરૂઆત છે. આ માત્ર એક રેલ લાઇન નથી, પરંતુ ‘ન્યૂ ઈન્ડિયા’ની આધુનિક, ઝડપી અને આત્મનિર્ભર પરિવહન વ્યવસ્થાનું પ્રતિક છે. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભારતીય રેલવે આત્મનિર્ભર ભારતના વિઝનને નવી ગતિ આપી રહ્યું છે. સ્વદેશી ટેકનોલોજી આધારિત આ પ્રોજેક્ટ ભવિષ્યમાં સમગ્ર દેશમાં સેમી હાઈ-સ્પીડ રેલ નેટવર્કના વિસ્તરણનો આધાર બનશે.”

ગુજરાત સરકારના મુખ્ય સચિવ શ્રી મનોજ કુમાર દાસે જણાવ્યું:

‘સરખેજ–ધોલેરા સેમી હાઈ સ્પીડ ડબલ લાઇન પ્રોજેક્ટ’ ધોલેરાના વિકાસને એક નવી ઊંચાઈ પર લઈ જશે. આ મહત્વાકાંક્ષી પ્રોજેક્ટના પરિણામે મુસાફરીના સમયમાં ધરખમ ઘટાડો થશે, જેમાં સાબરમતીથી ધોલેરા એરપોર્ટ સુધીનું અંતર માત્ર 48 મિનિટમાં અને સરખેજથી ધોલેરા એરપોર્ટ સુધીનો સમય માત્ર 38 મિનિટમાં કાપી શકાશે. આ આધુનિક રેલ પ્રોજેક્ટની ખાસિયત એ છે કે તેમાં ઐતિહાસિક અને પ્રવાસી મહત્વ ધરાવતા લોથલને પણ કનેક્ટ કરવામાં આવ્યું છે, જે સાંસ્કૃતિક વારસાને વેગ આપશે.

મુખ્ય સચિવશ્રીએ વધુ વિગતો આપતા કહ્યું કે, આ પ્રોજેક્ટ ધોલેરા સ્માર્ટ સિટીના સર્વાંગી વિકાસ માટે ગેમ-ચેન્જર સાબિત થશે.આ પ્રોજેક્ટના નિર્માણથી ધોલેરાને 360 ડિગ્રી કનેક્ટિવિટી મળશે, જે એર, રોડ, રેલ અને પોર્ટ એમ ચારેય માધ્યમોને એકબીજા સાથે મજબૂતીથી જોડશે. આ મલ્ટિમોડલ કનેક્ટિવિટીના પરિણામે માત્ર મુસાફરોની અવરજવર જ સરળ નહીં બને, પરંતુ ઉદ્યોગો અને વ્યાપારને પણ મોટો વેગ મળશે, જેનાથી ધોલેરા ગ્લોબલ હબ તરીકે ઉભરી આવશે. ભવિષ્યમાં જેમ જરૂર જણાશે તેમ વધુ વિકાસ કરવામાં આવશે તેમ તેમણે ઉમેર્યું હતું.

“આ પ્રોજેક્ટ ગુજરાતના ઔદ્યોગિક અને આર્થિક વિકાસમાં નવો અધ્યાય સાબિત થશે. ધોલેરા SIR ને સાબરમતી, ધોલેરા એરપોર્ટ અને લોથલ સાથે જોડતો આ કોરિડોર રાજ્યની આર્થિક પ્રગતિને નવી દિશા આપશે. સાબરમતી, ગાંધીગ્રામ અને વસ્ત્રાપુર સ્ટેશનો પર મેટ્રો એકીકરણ, સાબરમતીમાં બુલેટ ટ્રેન કનેક્ટિવિટી અને મોરૈયામાં ડેડિકેટેડ ફ્રેટ કોરિડોર સાથેનું જોડાણ ગુજરાતને વિશ્વસ્તરીય મલ્ટી-મોડલ ટ્રાન્સપોર્ટ હબ તરીકે સ્થાપિત કરશે.”

મંડળ રેલ પ્રબંધક (DRM), અમદાવાદ શ્રી વેદ પ્રકાશે જણાવ્યું:

“પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી, રેલ મંત્રી શ્રી અશ્વિની વૈષ્ણવ અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ ભારતીય રેલવેને આ ઐતિહાસિક પ્રોજેક્ટના અમલીકરણનો ગૌરવ પ્રાપ્ત થયો છે. 134 કિલોમીટર લાંબો આ કોરિડોર એક્સપ્રેસવેની સમાનાંતર નવી એલાઇનમેન્ટ પર વિકસાવવામાં આવશે. આ પ્રોજેક્ટ અમદાવાદ અને ધોલેરા વિસ્તારને વિશ્વસ્તરીય રેલ કનેક્ટિવિટી પ્રદાન કરશે. તેના કારણે મુસાફરોને ઝડપી, સુરક્ષિત અને આધુનિક મુસાફરી સુવિધા મળશે તેમજ વિસ્તારમાં ઉદ્યોગ, લોજિસ્ટિક્સ અને રોજગારમાં પણ નવી ગતિ મળશે.”

તેમણે વધુમાં જણાવ્યું કે વિશ્વનો પ્રથમ બ્રોડગેજ સેમી હાઈ-સ્પીડ રેલ કોરિડોર હવે ગુજરાતમાં બનવા જઈ રહ્યો છે. પ્રથમ વખત વિશ્વમાં કોઈ સેમી હાઈ-સ્પીડ ટ્રેન 220 કિમી પ્રતિ કલાકની ઝડપે બ્રોડગેજ ટ્રેક પર દોડશે. આ સમગ્ર પ્રોજેક્ટ અને ટ્રેન સંપૂર્ણપણે “મેક ઇન ઇન્ડિયા” ટેકનોલોજી પર આધારિત હશે. ટ્રેનમાં અત્યાધુનિક “કવચ 5.0” સુરક્ષા પ્રણાલી સ્થાપિત કરવામાં આવશે, જેના દ્વારા સુરક્ષા અને ઓટોમેટિક ટ્રેન પ્રોટેક્શનનું નવું માનક સ્થાપિત થશે. અત્યાર સુધી વિશ્વમાં સેમી હાઈ-સ્પીડ ટ્રેનો મુખ્યત્વે સ્ટાન્ડર્ડ ગેજ પર ચાલતી રહી છે, પરંતુ ભારત પ્રથમ વખત બ્રોડગેજ નેટવર્ક પર 220 કિમી પ્રતિ કલાકની ગતિનું સફળ મોડલ વિકસાવવા જઈ રહ્યું છે. આ માત્ર એક રેલ પ્રોજેક્ટ નથી, પરંતુ ભારતીય એન્જિનિયરિંગ, આત્મનિર્ભરતા અને રેલવે આધુનિકીકરણનો ઐતિહાસિક અધ્યાય છે. આ પ્રોજેક્ટ પૂર્ણ થયા બાદ અમદાવાદ અને ધોલેરા વચ્ચેનો મુસાફરી સમય ઘટીને લગભગ 1 કલાકથી પણ ઓછો રહેશે તેમજ ધોલેરાને સીધા અમદાવાદ–મુંબઈ હાઈ સ્પીડ રેલ કોરિડોર સાથે જોડવામાં પણ મદદ મળશે.

પ્રોજેક્ટના મુખ્ય લાભો
• અંદાજે 284 ગામો અને 5 લાખથી વધુ વસ્તીને સીધો લાભ
• દર વર્ષે અંદાજે 20 લાખ ટન વધારાની માલવહન ક્ષમતા
• લોજિસ્ટિક ખર્ચમાં દર વર્ષે અંદાજે ₹54 કરોડની બચત
• નિર્માણ તબક્કામાં અંદાજે 91 લાખ માનવ-દિવસ રોજગાર સર્જન
• અંદાજે 0.48 કરોડ લિટર ઇંધણની વાર્ષિક બચત
• અંદાજે 2 કરોડ કિલોગ્રામ CO₂ ઉત્સર્જનમાં ઘટાડો — જે લગભગ 10 લાખ વૃક્ષારોપણ જેટલા પર્યાવરણલક્ષી લાભ સમાન છે
• સાબરમતી, ગાંધીગ્રામ અને વસ્ત્રાપુર સ્ટેશનો પર મેટ્રો નેટવર્ક સાથે એકીકરણ
• સાબરમતી સ્ટેશન પર બુલેટ ટ્રેન કનેક્ટિવિટી
• મોરૈયા (સાણંદ) ખાતે ડેડિકેટેડ ફ્રેટ કોરિડોર અને ભીમનાથ લોજિસ્ટિક હબ સાથે જોડાણ

આ પ્રોજેક્ટ પ્રધાનમંત્રી ગતિ શક્તિ નેશનલ માસ્ટર પ્લાન અનુસાર વિકસાવવામાં આવી રહ્યો છે, જેનો હેતુ મલ્ટી-મોડલ કનેક્ટિવિટીને મજબૂત બનાવવાનો અને ભારતની લોજિસ્ટિક કાર્યક્ષમતાને નવી ઊંચાઈએ પહોંચાડવાનો છે. આ કોરિડોર ગુજરાતને આધુનિક, હરિત અને ઉચ્ચ ગતિના પરિવહન ઈન્ફ્રાસ્ટ્રક્ચરના નવા યુગમાં પ્રવેશ કરાવતી ઐતિહાસિક પહેલ સાબિત થશે.

ગાંધીનગર ખાતે યોજાયેલી આ પત્રકાર પરિષદમાં ઉદ્યોગ અને ખાણ વિભાગના એડિશનલ ચીફ સેક્રેટરી શ્રી મમતા વર્મા, ધોલેરા-SIR ના સીઇઓ શ્રી કુલદીપ આર્ય સહિત રેલવે વિભાગના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *