પત્રકારની નોંધપોથી અંક 01
August 30, 2026

By Japan K Pathak
પીકે મિશ્રાને જ્યારે પહેલી અને છેલ્લી વખત કશુંક “ઓફર” થયું
આ વાત વડાપ્રધાન નરેન્દ્ર મોદીના અગ્ર સચિવ અને વરિષ્ઠ સનદી અધિકારી પીકે મિશ્રાએ શનિવારે અમદાવાદમાં કરી, અને મારા સહિત જે હાજર હતા તેઓ હસી પડયા. મિશ્રાએ કહ્યું કે તેઓ મહેસાણાના જિલ્લા કલેક્ટર હતા તે સમયે ગાયોની તસ્કરી ગુજરાતના રસ્તે મહારાષ્ટ્ર તરફ થતી હતી અને પોતે આની ચકાસણી કરવા જાતે રસ્તે ઉતર્યા હતા તથા મોડી રાત્રે ટ્રકોની તપાસમાં જોડાયા હતા. આ દરમિયાન એક ટ્રક શંકાસ્પદ લાગી અને તેનો પીછો કર્યા પછી ટ્રકની આગળ જીપ લાવી દઇને તેને આંતરી. ટ્રક ઉભી રહી અને તેમાંથી માણસ બહાર નીકળ્યા. ચકાસણી અધિકારી પીકે મિશ્રા લાગ્યા, તો ટ્રકવાળાએ તેમને વીસ રુપિયાની નોટ તેમને લાંચ તરીકે ધરી દીધી. પીકે મિશ્રાએ ઇનકાર કર્યો તો પીકે મિશ્રાને જણાવવામાં આવ્યું કે ટ્રક જવા દેવા માટેની લાંચનો નોર્મલ રેટ આ જ છે. પીકે મિશ્રાએ કહ્યું કે તેમના સનદી અધિકારી તરીકેના સમગ્ર કાર્યકાળમાં આ પહેલી અને છેલ્લી વખત તેમને કશુંક ઓફર કરવામાં આવ્યું હતું.
મહેસાણાના કલેક્ટર તરીકેનો જ બીજો પ્રસંગ માંડતા મિશ્રાજીએ કહ્યું કે તે ગાળામાં સિદ્ધપુરમાં કોમી રમખાણો થયા હતા અને પછી સિદ્ધપુરનો પ્રખ્યાત કાત્યોકનો મેળો સરસ્વતી નદીના પટમાં યોજાવાનો હતો. કોમી રમખાણોના પરિપ્રેક્ષ્યમાં આ મેળો યોજવો કે નહીં તે અંગે તંત્રમાં દ્વિધા પ્રવર્તતી હતી. પણ તત્કાલીન ગૃહ સચિવે નિર્ણય લીધો કે મેળો થવા દેવો. મિશ્રાજી કહે છે કે એ નિર્ણય અધરો પણ સાચો હતો. નિર્ણય લેતી વખતે સરળ પડે એવો નિર્ણય લેવાનું સુગમ હોય છે, પરંતુ તેમ કરવું ત્યારે સાચું ન હોય અને અઘરો નિર્ણય કરવાનું જ ખરું હોય ત્યારે અઘરો પણ સાચો નિર્ણય લેવાનું જ ઉચિત હોય છે.
જજ સાહેબ પણ બાકાત નથી
સુપ્રીમ કોર્ટના વરિષ્ઠ સીટીંગ જજ તાજેતરમાં અમદાવાદ નજીક હતા, જ્યાં બંધ બારણે તેઓએ ખૂલીને વાત કરી. અહીં તેમને ભારતના ચીફ જસ્ટિસે પોતાના વતી મોકલ્યા હતા. મને તેમની એક વાત સાંભળીને થયું કે કેવા મોટા મોટા માણસો પણ એઆઇના વિડિયોને સાચો માની લઇ શકે છે. જજ સાહેબે કહ્યું કે તેઓ વિમાનમાં અમદાવાદ આવી રહ્યા હતા અને ત્યારે તેમણે ક્રિકેટનો એક વિડિયો જોયો જેમાં બેટસમેને ફટકારેલો દડો ઉંચે ડ્રોન પર વાગ્યો. તેમણે આ વિડિયો તેમના વિદેશમાં રહેતા જમાઇને ફોરવર્ડ કર્યો. જમાઇએ વળતો જવાબ આપ્યો કે આ વિડિયો આર્ટિફીશીયલ ઇન્ટેલીજન્સથી બન્યો છે. જમાઇએ એ પણ સ્પષ્ટ કર્યું કે વિડિયોમાં દેખાતી કઇ વિગતો સ્પષ્ટ કરે છે કે તે એઆઇથી તૈયાર થયો છે.
તાજેતરમાં દિલ્હી સ્થિત એક વરિષ્ઠ પત્રકાર કે જેઓ હવે તો પોતાની નિવૃત્ત ઉંમરથી આગળ નીકળી ગયા છે તેમણે બે વખત એઆઇથી બનેલા વાયરલ વિડિયો સાચા માની લઇને તેમને ઓનલાઇન પોસ્ટ કરી દીધા. લોકોએ કોમેન્ટસમાં ધ્યાન દોરવું પડયું કે આ વિડિયો એઆઇ ઉત્પાદિત છે અને તેને સાચો માનીને તેના પર પ્રતિક્રિયા આપવાનું તથા તેને આગળ વધારવાનું આપ જેવા વરિષ્ઠ પત્રકારને આ શોભતું નથી.
જજ સાહેબે બીજી એક વાત કરી કે તેઓના ભત્રીજાના પત્નીનું નિધન થઇ ગયું હતું અને તેમણે ત્યાં સમયસર જવું પડે તેમ હતું. તેઓએ સા઼ડા ચારના બદલે ચાર વાગ્યે કોર્ટ પૂરી કરી અને નિધન સ્થળે જવા માટે તૈયાર થયા ત્યારે તેમના રજિસ્ટ્રારે ધ્યાન દોર્યું કે તેમણે જવાનું છે તે સ્થળે ટ્રાફીકને કારણે ઘણું મોડું થઇ જશે અને સમય સચવાશે નહીં, માટે તેઓ મેટ્રોનો વિકલ્પ પસંદ કરી શકે છે. તેઓ મેટ્રોથી છેલ્લા સ્ટેશને પહોંચશે ત્યાંથી પ્રી-બુક્ડ ઓલા કાર તેમને સરળતાથી અને સમયસર સંબંધીના ઘરે પહોંચાડે દેશે. અને તેઓ કામકાજ પતાવે ત્યાં સુધીમાં તેમની કાર વળતી સફર માટે ત્યાં આવી જશે. જજ સાહેબે આ વિકલ્પ પસંદ કર્યો અને જીવનમાં પ્રથમ વખત મેટ્રો પકડી. મેટ્રોમાં એક વ્યક્તિ તેમને ઓળખી ગયો કે આ તો જજ સાહેબ છે અને પોતાની સીટ ઓફર કરી. જજ સાહેબે કહ્યું કે પોતે તો ઉભા જ રહેવાનું પસંદ કર્યું પરંતુ પત્નીને ખાલી સીટ પર બેસાડી દીધી. સત્તર જ મિનીટમાં તેઓ ખૂબ જ સારી રીતે નિર્ધારિત સ્ટેશન પર પહોંચી ગયા જ્યાં ઓલા ટેક્સી તૈયાર હતી. ટેક્સી ચાલી પરંતુ આગળ સાત આઠ મિનીટ પછી એક નાનો પુલ આવ્યો જ્યાં ટ્રાફીક જામ હતો. આનું કારણ એ હતું કે બ્રીજ એક તરફનો બની ગયો હતો પરંતુ બીજી તરફનો બન્યો ન હતો. આ રીતે અર્ધા બનેલા પુલની એક જ બાજુ વાપરવા યોગ્ય હતી અને તેથી બોટલનેક જેવી સ્થિતિ સર્જાતા ટ્રાફીક જામ થતો હતો. જજ સાહેબને પેલા ટેક્સી ડ્રાઇવરે કહ્યું કે કોઇક બ્લડી જજે સ્ટે આપ્યો છે એટલે પુલનું કામ મહિનાઓથી અધ્ધરતાલ છે… નિર્ણય કરનારા જમીન પરની વિગત જાણે નહીં અને અમે સહન કરીએ છીએ.
પછીથી તપાસ કરતા જજને જણાયું કે આ પુલનું ટેન્ડર થયું હતું અને કામ પણ થયું હતું પરંતુ કોન્ટ્રાક્ટર બ્લેક લીસ્ટેડ થયો હતો. એક તરફ લોકો માટે હિતકારી એ હતું કે ફ્રેશ ટેન્ડર થાય તો બીજી તરફ પેલો કોન્ટ્રાક્ટર કોર્ટમાં જઇને સ્ટે લઇ આવ્યો હતો અને તેના કામો નવેક મહિનાથી બંધ હતા. જજ સાહેબે અમને પછી જે કહ્યું તે આખી વાતનો નિચોડ હતો. તેમણે કહ્યું કે કોર્ટનું વલણ હવે એવું છે કે જાહેર હિત એ બીજી બધી જ બાબતોથી ઉપર જ સમજવું. તેમણે ગ્રાઉન્ડ રિયાલીટી બાબતે નિસ્બત હોવી જોઇએ એ વાત પર ભાર મૂક્યો. એક પત્રકાર તરીકે મારા માટે સુખદ હતું કે તેમણે કહ્યું કે પત્રકારો પાસે ગ્રાઉન્ડ રિયાલીટી હોય છે, અને તે ભૂમિકા ખૂબ જ મહત્વની છે.
વિદેશમાં એનઆરઆઇ ગુજરાતીઓએ ગુજરાતના મુખ્યમંત્રીને કેવા પ્રશ્નો પૂછી કાઢયા
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલ અમેરિકા અને કેનેડાના પ્રવાસે હતા, ત્યાં વિદેશમાં વસતા ગુજરાતીઓ સાથે તેમની ખૂબ મોકળા મને વાતચીત થઇ. આમાં ગુજરાતીઓએ તેમને તરેહ તરેહના પ્રશ્નો પણ પૂછ્યા. એક ભાઇએ કહ્યું કે ફ્લાઇટમાં અહીં વિદેશથી સીધું અમદાવાદ ઉતરવું છે, તો સીધી ફ્લાઇટ ચાલુ કરો. મુખ્યમંત્રીએ કહ્યું કે આવું કરવાનું અમારા હાથમાં હોય અને અમારા નિર્ણયથી થઇ જતું હોય અને લોકો માટે હિતકારી હોય તો અમારે કરવાનું જ હોય (પરંતુ આ રાજ્ય સરકારના કાર્યક્ષેત્રમાં નથી આવતું). પ્રયત્નો કરીશું. બીજા એક ભાઇએ કહ્યું કે તેમના કન્ટેનર વિદેશથી રવાના થઇ ગયા હતા અને સરકારે પોલીસી બદલી નાંખી જેના કારણે કન્ટેનરો અટવાઇ પડયા. નીતિન પટેલે મદદ કરી અને માંડ બચ્યા પરંતુ આવામાં વ્યાપાર કરવો કઇ રીતે? મુ્ખ્યમંત્રીએ આવું થવાની સંભાવના નકારી અને કહ્યું કે આવી કોઇ જેન્યુઇન સમસ્યા હોય તો મદદ માટે અમે બેઠા જ છીએ. એક ભાઇએ પૂછ્યું કે ફલાણા ગુજરાતી અખબારમાં તેમણે વાંચ્યું કે ગુજરાતમાં આટલા ને તેટલા કતલખાના ચાલે છે. મુખ્યમંત્રીએ ક્હયું કે અખબારોના પ્રત્યેક નકારાત્મક અહેવાલની તેમનું કાર્યાલય નોંધ લે છે અને જો વાત સાચી હોય તો પગલા પણ લેવાય છે, અને આ બાબતે પણ ધ્યાન અપાશે, પરંતુ દરેક વખતે અહેવાલ સાચા પણ નથી હોતા. જેમ કે એક અહેવાલમાં પાણીમાં ચાલીને લોકો સ્મશાન યાત્રા કાઢી રહ્યા હતા તેનું ટીકાત્મક ચિત્રણ હતું, પરંતુ જ્યારે તપાસ કરવામાં આવી ત્યારે જણાયું કે જે તે સ્થળેથી સ્મશાન સુધી જવા માટે સારો રસ્તો હતો જ પરંતુ આ લોકો ટૂંકો રસ્તો પડે તે માટે પાણીમાં થઇને સ્મશાન તરફ જતા હતા. એક ભાઇએ તો પૂછી લીધું કે દારુબંધી ક્યારે ઉઠાવી લેશો. આ પ્રશ્નથી તો મુખ્યમંત્રી આશ્ચર્ય જ પામી ગયા. તેમણે કહ્યું કે જ્યાં જરુરી લાગ્યું ત્યાં આ વિષયે નિર્ણય લીધો છે (ગીફ્ટ સિટી). બાકી દારુબંધી સમગ્રતયા ઉઠાવી લેવાનું બનતું નથી. એક એનઆરઆઇ ભાઇએ ભાડૂઆતો પાસે રહેલી મિલકતના સંદર્ભમાં પણ મુખ્યમંત્રી સમક્ષ પ્રશ્ન ઉઠાવ્યો. મુખ્યમંત્રીએ કહ્યું કે ભાડૂઆતો અંગે વિધાનસભામાં કાયદો લાવી રહ્યા છીએ. એનઆરઆઇઓએ મુખ્યમંત્રીને એટલા બધા પ્રશ્નો પૂછવા હતા કે બધાનો તો કઇ રીતે જવાબ આપવાની મોકળાશ હોય, અંતે લેખિતમાં ઉઘરાવી લેવા પડયા હતા.
(લખનાર સુધી japanpathak at gmail dot com થકી પહોંચી શકો છો)
તાજેતર ના લેખો
- પત્રકારની નોંધપોથી - અંક 2
- “શું આ જ એકમાત્ર રસ્તો છે?” સેકન્ડ ઓપિનિયને કેન્સરના દર્દીને સારવાર સમજવામાં કેવી રીતે મદદ કરી
- ચલણ જનરેટના ૭૫ દિવસમાં દંડ ન ભરાય તો લાયસન્સ, રજીસ્ટ્રેશન સંબંધિત તમામ સેવાઓ બંધ થશે
- ગુજરાતની સ્થાપના પહેલાં વર્ષ ૧૯૪૯થી ઉકાઈ બહુહેતુક યોજનાના નિર્માણ કાર્યનો પાયો નંખાયો હતો
- ભારતીય સેના અને સુરક્ષા દળોમાં જોડાવા ઈચ્છતા યુવાનો માટે રહેવા-જમવા સાથે ૩૦ દિવસની 'વિના મૂલ્યે' નિવાસી તાલીમ
- સુરત ખાડી પૂરની સમસ્યાના કાયમી ઉકેલ માટે રાજ્ય સરકાર ખાડી ડેવલપમેન્ટ માટે રૂ.૫૦૦ કરોડ ફાળવશે.
