પત્રકારની નોંધપોથી – અંક 2
September 08, 2026

By Japan K Pathak
BAPSની જડરુઢિને કારણે ફ્રાન્સમાં તમામ હિંદુઓ બચાવની સ્થિતિમાં આવી ગયા
પાછલા વર્ષે ગુજરાત વિશ્વવિદ્યાલયમાં ભારતીય જ્ઞાન પરંપરા વિષયે શિબિરનું આયોજન થયું હતું. આમાં હું પ્રેક્ષક તરીકે છેક પાછળની તરફે બેઠો હતો. અચાનક જ મેં જોયું કે મહિલા કુલપતિએ મંચ છોડી દીધો અને મહિલા કુલપતિએ આગળની હરોળમાં બેઠેલી મહિલાઓને પણ ગણી ગણીને છેક છેલ્લે પાછળની હરોળમાં જતા રહેવાનું કહ્યું. કુલપતિ પોતે અને આગળ બેઠેલી સૌ મહિલાઓ થોડી જ ક્ષણોમાં પાછળ આવીને બેસી ગઇ. આ મહિલાઓમાં કોઇ વ્યાખ્યાતા, કોઇ કુલપતિ, કોઇ જ્ઞાન પરંપરાના ક્ષેત્રે કામ કરતી મહિલા, કોઇ પ્રાધ્યાપક, કોઇ શાસ્ત્રજ્ઞ મહિલાઓ હતી.
પછી પ્રવેશ થયો સ્વામિનારાયણના સાધુનો મંચ ઉપર. મને ત્યારે સમજાયું કે અચાનક મહિલા કુલપતિએ મંચ કેમ છોડયો અને આગળ બેઠેલી તમામ મહિલાઓને પાછળ કેમ ખસેડી દીધી. દરઅસલ સ્વામિનારાયણ પંથમાં સાધુઓએ મહિલાનું મુખ જોવું નહીં તેવી રુઢિ છે. અને તેથી આમ બન્યું. કાર્યક્રમ પૂરો થયો પછી મને દિલ્હીના જવાહરલાલ વિશ્વવિદ્યાલયના મહિલા કુલપતિ મળી ગયા. તેમની વાણી પ્રભાવી હતી. તેમણે વાતચીતમાં કહ્યું કે આપણે હિંદુઓએ માંહેથી પણ ઘણું સુધરવાની જરુર છે. જુઓ હમણાં સ્વામિનારાયણના સાધુ આવ્યા અને તમામ મહિલાઓને પાછળ બેસાડી દેવામાં આવી, આવું ને આવું કરતા રહીશું તો ક્યાં મેળ પડવાનો છે?
અયોધ્યા રામ મંદિરના ઉદઘાટનમાં ગયો ત્યારે વિમાનમાં સ્વામિનારાયણ પંથના મોટા સ્વામીઓ હતા. શું એરપોર્ટ પર, વિમાનમાં, મહિલાઓ ન હતી? એક તરફ પંથના નિયમો છે. બીજી તરફ સૃષ્ટિભરમાં વિચરવાનું છે. તો જડતા તો વ્યવહારુ દ્રષ્ટિએ બાજુમાં મૂકાય જ છે ને? તો પછી ફ્રાન્સમાં શું સૂઝયું કે મહંત સ્વામીની એફિલ ટાવરની મુલાકાત દરમિયાન એફિલ ટાવરના મહિલા સ્ટાફને જઇ જઇને કહેવામાં આવ્યું કે આપ અહીંથી હટી જાઓ અને દૂર થઇ જાઓ, કારણકે અમારા સ્વામીઓ મહિલાઓનું મુખ નથી જોતા? ફ્રાન્સના એફિલ ટાવરના કર્મચારીઓએ આ વાતને લઇને સોમવારે હડતાલ પાડી દીધી અને એફિલ ટાવર બંધ કરી દીધો.
આખા ફ્રાન્સમાં બોચાસણવાસી અક્ષર પુરુષોત્તમ સંસ્થા(બીએપીએસ)ના આ કૃત્યને કારણે હિંદુઓને ભાંડવાનું શરુ થયું છે. ત્યાંના મેયર સહિત રાજકારણીઓએ બીએપીએસની અવિચારી જડતાના કારણે હિંદુ સમાજને કટઘરામાં મૂકી દીધો છે. ગયા વર્ષે જ બંગાળમાં ગુજરાતથી ગયેલા બીએપીએસના સાધનું પ્રવચન હતું અને ત્યાં પણ મહિલાઓ સાથે આવો વ્યવહાર થયો હતો જેણે ત્યાં ચર્ચા જગાવી હતી. ફ્રાન્સમાં તો લોકો બીએપીએસ પર પ્રતિબંધથી માંડીને મહિલાઓની ટીશર્ટ ઉંચકો પરેડ (જે ત્યાંનું ફેમેન નામનું ઉદ્દામવાદી મહિલા સંગઠન આયોજિત કરે છે) જ્યાં જ્યાં બીએપીએસવાળા દેખાય ત્યાં જઇને કરવાની માંગણી કરી રહ્યા છે. કોઇકે પ્રશ્ન કર્યો છે કે હિજાબીઓ અને આમનામાં શું ફર્ક છે?
આ મહિલાઓનું મુખ ન જોવાનો નિયમ સંસ્થાના આંતરિક કાર્યક્રમોમાં પાળવો હોય તો પળાય. બાકી, જાહેર કાર્યક્રમોમાંથી તેને તિલાંજલી આપવી જોઇએ. મહિલાઓનું મુખ જોઇને અન્ય વિચારો ન ઉપજે તે માટે સાધુ આંતરિક રીતે તૈયાર હોય તો મુખ જોયું ન જોયું શું ફેર પડે છે? જો આ પ્રકારની જડતામાં ફેરફાર નહીં કરવામાં નહીં આવે તો બીએપીએસ વધુને વધુ વિવાદ નોંતરશે અને બચાવની સ્થિતિમાં દરેક વખતે એવા હિંદુઓ પણ આવશે જે બીએપીએસ સાથે સંકળાયેલા જ નથી. બૃહદ હિંદુ સનાતન પરંપરામાં આ પ્રકારની જડતા નથી. જે કોઇ જડતા હતી તે કાળક્રમે બહુધા વિલુપ્ત થઇ છે. સ્વામિનારાયણવાળાઓ પડતી મૂકવા જેવી જડતાની જડતી લે.
BAPS માટે અત્યારે બેસ્ટ પીઆર એ જ છે કે તે જાહેર કરે કે આ પ્રસંગને તેઓ તેમની રુઢિમાં પરિવર્તનનું નિમિત્ત માને છે અને એફિલ ટાવરની કર્મચારી મહિલાઓનો આ માટે નિમિત્ત બનવા બદલ આભાર વ્યક્ત કરે છે. રુઢિ પરિવર્તન માટે વરિષ્ઠ BAPS સંતો નિર્ણય કરશે.
આવતા ઉનાળે ઉપાધિના આસાર
પાછલા કેટલાક વર્ષોમાં એ તરેહ જોવામાં આવી છે કે વરસાદ ચોમાસાના અંત ભાગમાં ભરપૂર વરસે. જો આ તરેહ આ વર્ષે હોય તો સારું છે, નહીં તો આજની સ્થિતિએ તો દુષ્કાળના દોજખની દુદુંભિઓ વાગી રહી છે. વરસાદની ઘટના આંકડા પર મારી રોજિંદી નજર છે. કેટલાક દિવસો પહેલા ગુજરાતમાં વરસાદની ઘટ સોળ ટકા હતી, પછી સત્તર થઇ, આજની તારીખે (આઠ સપ્ટેમ્બર) અઢાર ટકાની ઘટ છે. સૌથી ભયાવહ ઘટ દ્વારકા જિલ્લામાં 88 ટકાની છે. પછી પોરબંદરમાં 74 ટકાની છે. ગીર સોમનાથ અને કચ્છમાં 62 ટકાની ઘટ છે. આજની તારીખે ઘટ ક્યાં નથી? જવાબ છે સુરેન્દ્રનગર, મોરબી, અમરેલી, તાપી, સુરત, નવસારી, ખેડા, ડાંગ, ભરુચ અને આણંદ. ચોપડે તો આ જિલ્લાઓમાં વરસાદી ઘટ નથી, પરંતુ વરસાદ ખેંચાયો તો અહીં પણ છે. એટલે આકાશી ખેતી વિષયક પ્રશ્નો તો ખરા જ. આ સિવાયના તમામ જિલ્લાઓમાં ચોપડે વરસાદી ઘટ છે અને જમીન પર પણ. જો પૂરતો વરસાદ ન પડે તો ઘટ પ્રમાણે જિલ્લાવાર દુષ્કાળ, અનાવૃષ્ટિ, અછત જ્યાં લાગુ પડતી હોય ત્યાં જાહેર કરવાની થશે. દુષ્કાળની સૌથી કટુ અસર બીજા વર્ષના ઉનાળામાં વર્તાતી હોય છે. અને બીજા વર્ષે પણ ચોમાસું નબળું રહે તો હાડમારી ખૂબ વધે છે. બીજી તરફ વૈશ્વિક રીતે પણ આવનારા સમયમાં ખોરાકને લગતા ભાવોમાં ચઢાવ આવે તેવી સ્થિતિના ભણકારા છે. ખાતરના ભાવ ત્રીસ ટકા વધ્યા છે. ડિઝલની સ્થિતિ પણ આવી છે. એલ-નીનોની સૌથી ખરાબ અસર વર્તાય તે સ્થિતિ તો હજુ આવી પણ નથી. 8 સપ્ટેમ્બરની સ્થિતિએ ચાલુ ચોમાસામાં આખા ભારતમાં માત્ર ઓરિસ્સામાં જરુરથી વધુ વરસાદ નોંધાયો છે. અન્ય તમામ રાજ્યોમાં ઘટ છે. આમાં કર્ણાટક, તેલંગાના, આંધ્ર, તમિલનાડુ, કેરળ, બિહાર, અરુણાચલ, આસામ, મેઘાલય, મણિપુરમાં વીસથી સાહીઠ ટકાની ઘટ છે અને તેઓ રેડ ઝોનમાં મૂકાયા છે. જ્યારે ઓરિસ્સા સિવાય બાકીના તમામ રાજ્યોમાં વરસાદની ઘટ વીસ ટકાની અંદર છે. ગુજરાતમાં આગલા વર્ષે ચૂંટણી છે. પરંતુ તે પહેલા એક ચોમાસું છે. પ્રાર્થના કરો અને સાબદા રહો.
વાઘ આયો રે વાઘ
અમદાવાદમાં રિક્ષાચાલકોની હડતાળની પાછલા વર્ષોમાં અનેક વખત જાહેરાત થઇ હતી, પરંતુ પછી હડતાળના દિવસે રિક્ષાઓ બંધ રહેતી ન હતી. એટલે સૌએ રિક્ષાની હડતાળ જાહેર થાય તેને બિનમહત્વનું ગણવાનું શરું કર્યું. આ વખતે પણ રિક્ષાની હડતાળની જાહેરાત થઇ અને સૌએ તેને હલકામાં લીધું. વાઘ આયો રે વાઘની સ્થિતિ સર્જાઇ. પરંતુ હડતાળની આગલી રાતથી જ ઇન્સ્ટાગ્રામ પર હડતાળનું પાલન કરાવવામાં આવી રહ્યું હોય તેવી રીલ્સ દેખાવા માંડી. ક્યાંક કોઇ રેપીડોવાળા દ્વિચક્રી વાહન ચાલકની સાથે માથાકૂટ, ક્યાંક કોઇ રિક્ષાનો કાચ ફોડયો હોય તેવું દ્રશ્ય… આવું બધું. અને અમદાવાદ મહાપાલિકા અને પોલીસને થયું કે આ વખતે તો આપણે થાપ ખાઇ ગયા. હડતાળની અગમચેતી રાખી જ નહીં અને કોઇ વ્યવસ્થાઓ ગોઠવી નહીં. રેલવે સ્ટેશનથી લઇને બીજે, લોકોના હાડમારી પડી. સરકારી સિસ્ટમ હંમેશાની માફક ડાયનોસોરની માફક વર્તી. જો કે હડતાળ જેટલી ગાજી એટલી સજ્જડ તો ન હતી. રિક્ષાઓ, રેપિડો, ટેક્સીઓ બધું ચાલું જ હતું. ક્યાંક હડતાળનું પાલન કરાવતા ટોળાઓ અને ક્યાંક બધું ચાલુ. આવી સ્થિતિ હતી. દરઅસલ રિક્ષા, રેપિડો, ટેક્સી ચલાવનારાઓ સમાજના જરુરિયાતમંદ વર્ગમાંથી આવે છે. રોજનું કમાઇને રોજનું ખાવાની સ્થિતિમાં હોય છે. આવામાં હડતાળ તો તેમણે પણ પાળવી હોય છે, પરંતુ કમાવા ન નીકળે તો શું કરે?આ જ કારણથી રિક્ષાઓની હડતાળો નિષ્ફળ જાય છે. બીજું, કે રિક્ષાચાલકોના યુનિયનો અનેક થઇ ગયા છે, અને વાસ્તવમાં કોઇની પાસે એવું નેતૃત્વ નથી કે એવું સમર્થન નથી કે જડબેસલાક હડતાળ કરાવી શકે. રિક્ષા ચાલકોની એક સમસ્યા તો અદાણી દ્વારા છાશવારે વધારી દેવામાં આવતા સીએનજીના ભાવની છે, જે વાસ્તવિક છે. બીજી સમસ્યા એ છે કે રિક્ષા અને ટેક્સીનું વધુ ટેક્સ આપીને કોમર્શિયલ પાસીંગ કરાવવું પડે છે (પીળી નંબર પ્લેટ), જ્યારે રેડિયો ટેક્સી અને ટુ-વ્હીલર ટેક્સીવાળાઓ (જેમ કે રેપિડો, ઉબર વગેરે), સામાન્ય ટેક્સ આપીને પ્રાઇવેટ સફેદ નંબરપ્લેટ સાથે પણ ધંધો કરી લે છે અને સસ્તામાં સુવિધા આપીને ગ્રાહકોને ખેંચી જાય છે. લોકમત સસ્તી સુવિધાની તરફેણમાં છે, એટલે રિક્ષાવાળાઓને તેમની માંગણીઓ વિષયે, કે હડતાળ વિષયે વજન મળતું નથી. પરંતુ જુઓ ગઇકાલે રિક્ષાઓની હડતાળ હતી અને ઉબર વગેરેએ ભાડા વધારી દીધા હતા.રિક્ષાની પણ ઉપયોગિતા છે. પરંતુ સંખ્યા અનહદ વધી ગઇ છે, ભાવ પણ વધ્યા છે, વિશ્વસનીયતા ઘટી છે, અને ટેકનોલોજીથી આવેલા બદલાવને સ્વીકારી નથી રહ્યા.
તાજેતર ના લેખો
- પત્રકારની નોંધપોથી અંક 01
- “શું આ જ એકમાત્ર રસ્તો છે?” સેકન્ડ ઓપિનિયને કેન્સરના દર્દીને સારવાર સમજવામાં કેવી રીતે મદદ કરી
- ચલણ જનરેટના ૭૫ દિવસમાં દંડ ન ભરાય તો લાયસન્સ, રજીસ્ટ્રેશન સંબંધિત તમામ સેવાઓ બંધ થશે
- ગુજરાતની સ્થાપના પહેલાં વર્ષ ૧૯૪૯થી ઉકાઈ બહુહેતુક યોજનાના નિર્માણ કાર્યનો પાયો નંખાયો હતો
- ભારતીય સેના અને સુરક્ષા દળોમાં જોડાવા ઈચ્છતા યુવાનો માટે રહેવા-જમવા સાથે ૩૦ દિવસની 'વિના મૂલ્યે' નિવાસી તાલીમ
- સુરત ખાડી પૂરની સમસ્યાના કાયમી ઉકેલ માટે રાજ્ય સરકાર ખાડી ડેવલપમેન્ટ માટે રૂ.૫૦૦ કરોડ ફાળવશે.
